કંડોળ પુરાણ ( કુંડળપુરણ)

કંડોળીયા બ્રાહ્મણ અને તેમના યજમાનો કપોળ વૈશ્યો તથા સોરઠિયા વૈશ્યોનો પૌરાણિક ઈતિહાસ.

સૌરાષ્ટ્રમાં ઉત્તર દિશામાં પાંચાલ દેશમાં હાલના થાનથી દૂર સાત માઈલે પ્રાચીન કંડુલનગર આવ્યું હતું.

આ કુંડળનગર कृत कण्वालयंनाम्ना त्रेतायांकलुषापहम्।

द्वापरे कांपिलंचैतत् विद्धिकंडुलकंकलौ॥ - (कं.पु.अ. ૫/૩૧ અને ૧૧/૧,૨)

સત્યયુગમાં કણવાલય
ત્રેતામાં કલુષાપણ,
દ્વાપરમાં કાંપિલ
કલિયુગમાં કંડુલક કે કંડુલનગર તરીકે પ્રખ્યાત થશે.

કણ્વ ઋષિએ આ નગરની સ્થાપના બ્રહ્માજી ની આજ્ઞા થી, ભગવાન સૂર્ય ની કૃપા સાક્ષી એ , દેવતાઓ ના સ્થપતિ વિશ્વકર્મા જી પાસે નગર ની રચના કરાવી ત્યાં અઢાર હજાર બ્રાહ્મણો તથા ત્રીસ હજાર કપોળ અને છ હજાર ગાલવના વણિક શિષ્યો એમ કુલ છત્રીસ હજાર વૈશ્યોને વસાવ્યા હતા,તેમનાં મુખ્ય ૧૮ ગોત્રો તથા પ્રવરો, ગોત્રદેવીઓ વગેરેની વિગતો કંડોળ પુરાણમાં આપી છે.

તેમના કુલદેવી સામુદ્રીમાતા છે. તદુપરાંત રજકાવલી, નિત્યા, મંડિતા વગેરે પણ તે લોકોની ગોત્ર-દેવીઓ છે. અન્ય સોરઠિયા વૈશ્યોની કુલદેવી કનકાઈ છે, જેનું સ્થાન ગીરના જંગલમાં આવેલું છે.

આ પુરાણમાં કંડોળ નગરની આજુબાજુ આવેલાં પાપનોદકકુંડ, બ્રહ્મશિલા-ધર્મશિલા, હરણમીક્ષીતીર્થ, ત્રિનેત્રેશ્વર, બકુલાર્ક નું સૂર્યમંદિર, કંડોળીયા હનુમાન જી, બ્રહ્મગૂફા, ચૌલુક્ય પર્વત (ચોટીલા), સપ્તમાતૃકાઓની મૂર્તિઓ, સામુદ્રીમાતા, તેમની પાસે આવેલ પાંડવો તથા ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓ, ભીમકુંડ, ગેબીનાથ ભોંયરું, ભોજનવાવ, બાણગંગા, કણવેશ્વર મહાદેવ વગેરે તીર્થો, આશ્રમો અને મંદિરોમાં મહાત્મયો નું સુંદર વર્ણન છે.

આજે આ કંડોલનગરનો પત્તો લાગતો નથી, પણ કંડોળિયા, કપોળ તથા સોરઠિયા વૈશ્યોના કુળદેવી સામુદ્રીમાતાનું સ્થાનક હળવદથી છ-સાત માઈલ દૂર આવેલું છે. જે ભવ્ય અને પ્રાચીન સ્થાનક તરીકે આજે પણ દર્શનીય છે.

ઐતિહાસિક દૃષ્ટિએ કન્ડોળીયા બ્રાહ્મણોનો સંબંધ વલ્લભીના વાલમ બ્રાહ્મણો સાથે પૂર્વકાળમાં હોવાનું તેમના વહીવંચાઓ સૂચવે છે. કંડુલગામના નાશ પછી કંડોળિયા બ્રાહ્મણો વલ્લભીપુરમાં વસ્યા હતા. ત્યાં બ્રાહ્મણો અને યજમાનોની તકરારના કારણે નવ કુટુંબો સિવાયના બધા નાશ પામ્યા હતા. આ હત્યાકાંડ સંવત ૧૬૫ માં શિલાદિત્યના વખતમાં થયો હોવાનું કહેવાય છે. હત્યાકાંડમાં પુરુષો સિવાય બીજું કોઈ બચેલ ન હોવાથી તેઓ તેમનો વંશવેલો ચાલુ રહે તે માટે વાલમ બ્રાહ્મણોની કન્યાને પરણ્યા હતા.

આ કંડુલપુરાણ તેના ગુજરાતી અનુવાદ સાથે જુનાગઢના વતની જોશી માધવરાય કરશનજીએ સંવત ૧૯૯૨ (ઈ.સ. ૧૯૩૫) માં પ્રસિદ્ધ કર્યું છે. જેમાં કંડોળનગર ના સ્થાનો તેનો ઈતિહાસ કંડુલનગર ના રહેવાસી બ્રાહ્મણો તથા વૈશ્યો-જે પાછળથી અન્યત્ર સ્થાયી થયેલા છે તેમનાં ગોત્રો અને જ્ઞાતિના પ્રતિષ્ઠિત મહાનુભાવોની વંશાવળીઓ વિસ્તારપૂર્વક આપેલી છે.

મધ્ય ગુજરાતના પ્રાચીન ઈતિહાસને જાણવા માટે કંડોળ પુરાણની અગત્યતા અને ઉપાદેયતા ઘણી જ છે.

શ્રી માધવરાય કરસનજી અધ્વર્યુએ સિહોરમાંથી મેળવેલી પ્રાચીન હસ્તપ્રતનો અનુવાદ કરી જૂનાગઢથી સં. ૧૯૯૨માં ગ્રંથ પ્રસિદ્ધ કરાયો હતો

શ્રેષ્ઠીઓની આર્થિક સહાયથી વિપ્રો અને કપોલ વણિકો, સોરઠિયા વણિકોના ઈતિહાસ અને વંશાવળીઓ મેળવી ત્રણ ભાગમાં આ ગ્રંથ પ્રકાશિત કર્યો છે.

પ્રથમ ભાગમાં કંડુલપુરાણના ચૌદ અધ્યાયો ગુજરાતી અનુવાદ સાથે આપ્યા છે. બીજા ભાગમાં કપોલ જ્ઞાતિનો ઈતિહાસ, ગોત્ર અને ગોત્રોમાંથી ઊતરી આવેલી પેઢીઓઅને ત્રીજા ભાગમાં સોરઠિયા જ્ઞાતિનો ઈતિહાસ કેટલાક કુટુંબોની વિગતો સાથે આપી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

કંડુલપુરાણને ક્વચિત “કંડોલપુરાણ” પણ કહેવામાં આવે છે. આ પુરાણમાં 14 (ચૌદ) અધ્યાયો અને બધા મળીને 1504 શ્લોકો છે. અધ્યાય પ્રમાણે શ્લોકોની સંખ્યા નીચે મુજબ છે.

પ્રથમોધ્યાય.     ૧૩૨ દ્વિતીયોધ્યાય.     ૧૧૫  તૃતીયોધ્યાય.     ૧૩૨ ચતુર્થધ્યાય.      ૧૬૭ પંચમોધ્યાય.     ૧૫૧ ષષ્ઠોધ્યાય.      ૦૯૮ સપ્તમોધ્યાય.    ૦૫૮ અષ્ટમોધ્યાય.    ૧૧૦ નવમધ્યાય.      ૧૨૨ દશમોધ્યાય.      ૦૫૭ એકાદશાધ્યાય.    ૦૯૯ દ્વાદશાધ્યાય.      ૦૬૩ ત્રયોદશાધ્યાય.     ૦૮૧ ચતુર્દશાધ્યાય.      ૧૧૯

બધા મળીને ૧૫૦૪ શ્લોકો અનુષ્ટુપ, ઉપજાતિ ,વસંત્તિલકા વિગેરે છંદો ના છે.

આવી ગૌરવવંતી માહિતી લુપ્ત થતી બચાવી, કંડોળીયા બ્રાહ્મણ, કપોળ વૈશ્ય અને સોરઠિયા વૈશ્ય સમાજ ને ઉપલબ્ધ કરાવનાર સ્વર્ગસ્થ શ્રી માધવરાય કરશનજી અધ્વર્યું ને ઋણી રહેશે.

ઇતિ શમ્

🖋️ હર્ષ હિતેશભાઈ અઘ્વર્યું

જય શ્રી સામુદ્રિ